ગૌરી વ્રતનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ.
- લિંક મેળવો
- ઇમેઇલ
- અન્ય ઍપ
અષાઢ મહિનો આવે તે સાથે જ વ્રતો અને ઉત્સવોની શરૂઆત થઈ જતી હોય છે. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરી વ્રત (gauri vrat) અને અષાઢ સુદ તેરસથી જયા પાર્વતી વ્રતની (jaya parvati vrat) શરૂઆત થતી હોય છે. સવિશેષ તો આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે. ગૌરી વ્રત કુમારિકાઓ કરતી હોય છે. જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંન્ને કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે. ત્યારે આવો આજે આ વ્રતોનો મહિમા જાણીએ.
આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા (Jawara Pujan) કરતી હોય છે. પરંતુ, મૂળે તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત બંન્નેમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે.
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.
જવારા શા માટે ?
અષાઢ સુદ એકાદશીનો દિવસ નજીક આવે તે સાથે જ આજે તો બજારમાં ઠેર ઠેર લીલાછમ જવારા નજરે પડવા લાગે છે. આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે. પરંતુ, મૂળે તો બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે ! એટલું જ નહીં, તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે. અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો. જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે. સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે.
નાગલાનું રહસ્ય
રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. અને પછી આ શિવ રૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાની પૂજાનો મહિમા છે. એટલે કે શિવ અને શક્તિ બંન્નેની સંયુક્ત પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે.
મોળાકત વ્રત
પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે. માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મોળાવ્રત કે મોળાકત વ્રત કહેવામાં આવે છે.
જવારાનું વિસર્જન
વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરવાની પ્રણાલી છે. વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ગૌરીવ્રતમાં બાળાઓને, જ્યારે જયા પાર્વતી વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.
ગૌરી વ્રત કરવાની વિધિ :
અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણીયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરવા.
આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાંનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઇ કોઈના ઘરે પણ પૂજા કરી શકે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પુજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે.
વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું. પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા.
ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર માં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરી માંની પાસે રાખેલ ઘી નો દીવો અને અગરબત્તી કરવા.
પછી પંચામૃત ચડાવી ગૌરી માં નું પૂજન કરવું. તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂ ના નાગલા ચડાવવા. રૂ ના નાગલા રોજ નવા બનાવીને માં ને ચડાવવા અને પ્રસાદ ધરાવવો.
પછી સાચા દિલથી ગૌરી માં ને ભાવ પૂર્વક, શ્રદ્ધા પૂર્વક પગે લાગવું.
અને માં ને પ્રાર્થના કરવી કે, “હે માં, હું તારું જ બાળક છું. તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો. મારી મનોકામના પૂર્ણ કરો. મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. માં મને સદબુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો. મારી શ્રદ્ધા હંમેશા વધારજો.”
પછી હાથમાં ચોખા, ફૂલ લઈને શ્રદ્ધા પૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી. પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માં ને ચડાવી દેવા.
હમણા ઘણી એવી વાતો જોવા મળી કે “હુ મારી દીકરીને વ્રત કરાવીને કુપોષિત નથી બનાવવા માંગતી. એના જવાબ માટે આ માહિતી વાંચવી ખૂબ જરૂરી છે. ગૌરી વ્રત એ એક અંધશ્રદ્ધા છે કે શ્રદ્ધા ?
વ્રત તાર્કિક છે કે અતાર્કિક ? આપણા ઋષિઓ ભવિષ્યમાં આવનારા આ વૈચારિક ભેદથી કદાચ પરિચય હતા માટેજ આ સનાતન ધર્મમાં વ્રતો સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જોડાયેલા છે.
यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ।।
નાનકડી બાળાઓને પાંચ દિવસ ગૌરી માતાનું પૂજન કરવાનું હોય છે…ટોપલીમાં જવારા વાવવામાં આવે, વ્રત દરમિયાન ફળાહાર કરવાનું હોય, આ દરમિયાન મીઠું ખાઈ શકાતું નથી.
ભવિષ્યમાં મળનારું પાત્ર ગમતું હશે કે નહિ અથવા તો એક વાર ગમ્યા પછી ગમતું રહેશે કે નહિ?? એ વિશે પણ કહી ન શકાય, તેમ છતાં વ્રત જરૂરી છે કારણ કે વ્રતની સૌથી ઊંડી અસર આપણી સમજણ પણ થાય છે. વ્રત કર્યા પછી સમજાય છે: આપણ ને પામતા આવડે જ છે, આપણે છોડતા શીખવાની જરૂર છે.
કોઈપણ જાતના ખચકાટ, પસ્તાવા કે અફસોસ વગર કશુંક ત્યાગ કરીને એ ત્યાગની ઉજવણી કરવાનો અવસર એટલે જિંદગી. વ્રત એ કશુંક પામવા માટેની તૈયારી નથી …એ કશુંક છોડી શકવાની તાલીમ છે …અને આપણ ને દરેકને બાળપણથી આં તાલીમ મળવી જરૂરી છે.
મહત્વનું પાશું એ છે કે મેળવવા કરતા છોડવું ખૂબ અગત્યનું છે.
त्यागात् शांतिरनन्तरम् ।।
વળી પાછું ચોમાસાની ઋતુ!! આં દિવસોએ સૂર્યકિરણ ત્રાસા પડે,આં ઋતુમાં આરોગ્ય સાચવવા ખાવાપીવામાં ધ્યાન રાખવું ખુબજ જરૂરી, આં દિવસો સુસ્ત હોય, પુરુષ (ખેડૂત વર્ગ) ખેતીમાં વ્યસ્થ હોય, ચાર મહિના એમની પાસે બીજો સમય ન હોય ,માટે એ લોકો પ્રફુલ્લિત રહે એ હેતુથી ધાર્મિક તહેવારોની ગોઠવણ થઈ.
આં તહેવારોમાં ધાર્મિક સાથે વૈજ્ઞાનિક અભિગમ તો ખરો જ,માટે આપણા ઋષિઓએ આં “વૈજ્ઞાનિક સત્ય” ધર્મ સાથે જોડી જીવન ન ખોરવાય એ માટે ચાતુર્માસનો રસ્તો બતાવી વ્રત તપ જેવા રસ્તાઓ ઘડ્યા. ખાનપાનની પરેજી સાથે ધ્યાન ઉપાસનાથી તનમન સ્વસ્થ રહે તે માટે આયોજન બદ્ધ દરેક માહત્મ્યની ગોઠવણ કરી…
શ્રાવણ માસમાં લીલોતરી આરોગવાથી મંદવાડ આવે ( માટે એ મહિનામાં કઠોળ નું સેવન અથવા તો અઠવાડિયે એક દિવસ ઉપવાસની સિસ્ટમ ફીટ કરી) …પશુ, ડુંગરમાં ઊગેલ નવા ઘાસ સાથે કીટકો ને આરોગે, જે થકી પશુ અને માણસ બન્ને માં “લુઝ મોશન” ની તકલીફ જોવા મળે, માટે એ આખો મહિનો ઉપવાસથી ભરી દીધો ..શ્રાવણ માસ પૂરતું દૂધ શિવજીને અર્પણ કરવાની યુનિક પદ્ધતિ ગોઠવી, જેથી લોકોની આસ્થા બની રહે, મન પ્રફુલ્લિત અને સ્વાસ્થ્ય સુદ્રઢ રહે….ચોમાસામાં રોગચાળા ની અસરથી બચાવવા માટે નાનકડી બાળાઓને અષાઢ મહિનાથી જ આં સીઝન સામે લડવા સક્ષમ બનાવી દેવામાં આવે …જે 5 દિવસના ઉપવાસ રહી આગામી ચોમાસા ની ઋતુમાં રોગ થી બચી શકે.
“મોળાકત” થી માંડી જયા પાર્વતી સુંધીના ઉપવાસ આહાર અને વ્રતની સિસ્ટમ સ્ત્રીના માસિક ધર્મમાં ખુબ મહત્વ નો ભાગ ભજવે છે…
માસિક ધર્મ દરમિયાન ડોક્ટર દ્વારા સલાહ પાઠવવામાં આવશે: માસિક દરમિયાન ફિલ્મ જોવાની આદત રાખો, જેથી મન પ્રફુલ્લિત રહે, મૂડ સારો રહે એ ખૂબ જ જરૂરી છે. ( આપણા ઋષિઓએ મન પ્રફુલ્લિત રાખવા ફિલ્મની જગ્યાએ વ્રત ના ચાર માસ ગોઠવી, વાર્ષિક દર મહિને એક તહેવાર ફીટ કરી પ્રાકૃતિક આનંદનો માહોલ ઉભો કર્યો એ પણ સમૂહ માં)
માસિકધર્મ દરમિયાન મૂડ સારો રહે એટલું જ જરૂરી છે પૌષ્ટિક આહાર લેવામાં આવે, આં સમયે મીઠા વાળી વસ્તુ ખાવાની ડોક્ટર દ્વારા મનાઈ કરવામાં આવે, તમને આં બાબત ડોક્ટર કહે ત્યારે ગંભીર રીતે પકડો, પરાણે મીઠાનો ત્યાગ કરો.
જ્યારે આપડા ઋષિમુનિઓ ના બતાવેલ માર્ગે એક નાનકડી બાળા સ્વેચ્છાએ હોંશે – હોંશે બાળપણથી જ મીઠા નો 5 દિવસ ત્યાગ કરીને આગળ ના સફર માટે તૈયાર થતી હોય છે…એકદમ ઢીંગલી જેવી તૈયાર થઈને બાળકીઓ ભેગી હર્ષોલ્લાસ માં હરતી ફરતી હોય છે
( જોડે ફ્રૂટ નો યોગ્ય પોષણક્ષમ આહાર તો ખરો જ)
તો આજના ડોક્ટર ને અનુસરણ કરશો કે પછી ઋષિઓ ના બતાવેલ રસ્તે ચાલીને પછી ડોક્ટર ને અનુસરશો !! જે લોકો કહે છે: હું વ્રત કરાવીને મારી દીકરી ને કુપોષણ નો શિકાર બનાવવા નથી માંગતો
- લિંક મેળવો
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ