વટસાવિત્રીવ્રત
- લિંક મેળવો
- ઇમેઇલ
- અન્ય ઍપ
વટસાવિત્રી
વ્રત વિધિ અને વ્રત કથા
વ્રત વિધિ : જેઠ સુદ અગિયારસથી આ
વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો
આરંભ કરે છે. વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ-સમૃદ્ધિ અને
અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મસાવિત્રી વ્રત કરી રહી છું. મને તેનું સંપૂર્ણ ફળ
પ્રાપ્ત થાય. આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો. અબીલ, ગુલાલ, કુંકુ-ચોખા અને ફૂલોથી
વડનું પૂજન કરવું. વડને જળ ચઢાવવું. પછી સુતરનો દોરો વડના થડને 108 વાર વીટાળીને પ્રદક્ષિણા
કરવી. પ્રદક્ષિણા વેળાએ
नमो वैवस्वताय મંત્રનો જાપ કરવો. સાથે
પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરવી. વડને જળ ચઢાવતી વેળાએ આ પ્રાર્થના
કરવી.
वट सिंचामि ते मूलं
सलिलैरमृतोपमै:।
यथा शाखाप्रशाखाभिर्वृद्धोसि
त्वं महीतले।
तथा पुत्रैश्च पौत्रैस्च
सम्पन्नं कुरु मां सदा।।
વ્રત કરનારે આ દિવસોમાં સતિ સાવિત્રીની કથા-વાર્તા
સાંભળવી. વ્રત પૂરું થયા પછઠી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી
જમવું.
વ્રત
કથા: ઘણા વર્ષો પહેલાની વાત છે,અશ્વપતિ નામનો એક રાજા
હતો. તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું
હતા. તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી.
એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેમને પણ
રાજા-રાણીની સ્થિતિ જોઈને દુ:ખ થયું. આથી તેમણે વાંઝિયામેણું ભાંગવા માટે સાવિત્રી
દેવીનું વ્રત કરવાનું કહ્યું. રાજા-રાણીએ સાવિત્રીદેવીનું વ્રત કરવા માંડ્યું.
થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા. રાજા-રાણીએ કહ્યું કે માતા, અમે બધી રીતે ખુશ છીએ, પરંતું અમારા ઘરે
સંતાનની ખોટ છે.
માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી
છે. તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે.
આવું કહીં માતા અંતર્ધ્યાન થઈ ગયા. નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ
આપ્યો. માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં
આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી.
રાજા-રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખૂબ સુંદર હતી. વળી માતા-પિતાના
સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા.
સમય જતાં રાજ-રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી.
રાજા-રાણીએ ચારેદિશામાં યોગ્ય મુરતિયો મેળવવા માટે તપાસ કરાવી. પણ સાવિત્રીને
યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. આછી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી
કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમત્સેન રાજાના પુત્ર સત્યવાન
ઉપર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા-રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં
આવ્યા. રાજા-રાણીએ નારદજીની સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ
સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ....
રાજા-રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ?
નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું
છે. હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા-રાણીને ખૂબ દુ:ખ થયું. તેઓએ
પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ.
સાવિત્રીએ તેના માતા-પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં
જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો. મે સત્યવાન સાથે લગ્ન કરવાનું
નક્કરી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ
રાજા-રાણી પણ ચૂપ થઈ ગયા.
રાજા અશ્વપતિ ના છૂટકે ધુમત્સેન રાજાના આશ્રમમાં ગયા
અને પોતાની દીકરીનું માંગું નાખતાં કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું
અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું.
રાજા ધુમત્સેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું.
મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે. આથી હું
વનમાં આક્ષમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નર્કમાં
ધકેલો છો.
અશ્વપતિએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના
પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે?
રાજા ધુમત્સેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય.
ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા, તેઓ આંધળા હોવાના કારણે
પાણીના માટલા સાથે અથડાયા અને પડતાં પડતાં બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને
તેણે પિતાજીને બેસાડી દીધા.
સારું મૂહર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે
ધામેધૂમે પરણાવી દીધી. રાજા-રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુ:ખી હતા કારણ
કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી.
લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા.
પતિ-પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી
પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના
કરવા માંડી હતી. આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો
દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી
કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ. જંગલમાં એક સૂકાયેલું ઝાડ જોઈ
સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું. તે બેભાન થઈ
જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના
કપાળ ઉપર હાથ ફેરવવા લાગી.
એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો.
સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો? અને અહીં
કેમ આવ્યા છો?
આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તમણે કહ્યું કે હું
યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે
આવ્યો છું.
આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં
રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું.
સત્વાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો. તે રોતી કકળતી યમરાજ પાછળ જવા
લાગી.
યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે
મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા
પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તુ બધું ભૂલી જા અને પાછી વળી જા.
સાવિત્રિએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે
પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે સાત ડગલાં ચાલી એટલે
આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને
મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો.
યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજું પણ કહું છું
કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ, પણ પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા
કરો.
યુમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે.
જ્યાં મારો પતિ ત્યાં હું, એજ નારી ધર્મ છે. વળી, સત્યપુરુષોનો સત્સંગ કદી
નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે?
યમરાજે કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ
આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માંગી લે. હું
ખુશીથી આપીશ.
સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા
કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો.
યમરાજાએ કહ્યું તથાસ્તુ, હવે આગળનો માર્ગ કપરો છે
માટે તું પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો
છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો
અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું
રક્ષણ નહીં કરો?
યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું, તારા પતિના પ્રાણ સિવાય
જે જોઈએ તે માંગી લે.
સાવિત્રીએ કહ્યું કે મારા માતા-પિતાને પુત્ર નથી.
તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલું રહે એવું વરદાન આપો.
તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ
તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માંગી લે.
સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે.
યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તુ પાછી વળી જા અને
મને જવા દે.
સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન
તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર
કર્યો છે? માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો.
સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તમના માટે
વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યે જ છૂટકો હતો. તેમના
વચનમાં તેઓ બંધાઈ ગયા. યુમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિભક્તિથી ખુશ થયો છું.
જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું.
ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા.
સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યા ગઈ અને
તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો.
સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ
આવી ગયા. સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં
સાવિત્રીએ બધી હકિકત પોતાના પતિને કહી.
યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી, ગુમાવેલું રાજ્ય પરત મળ્યું ,સાવિત્રીની માતાએ ૧૦૦ પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ ૧૦૦ બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ છવાઇ ગયો.
ભારતીય સંસ્કૃતિમાં વડનું મહત્ત્વ:-
- લિંક મેળવો
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ