આજે દેવર્ષિ નારદજીની જયંતી. તેઓ ત્રણે લોકમાં મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારિ તરીકે પણ પ્રસિદ્ધ છે અને એટલે જ તેઓ આ પૃથ્વી ઉપરના સૌથી પ્રથમ સમર્થ પત્રકાર તથા સંવાદદાતા ગણાય છે.
.
દેવર્ષિ નારદ એક એવું ચર્ચાસ્પદ પાત્ર છે કે કોઈ પણ ખટપટીયા માણસને આપણે “નારદ” કે “નારદવેડા કરે છે” એમ કહીએ છીએ પણ નારદજીની મહાનતા ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ વખાણી છે. નારદજીને ‘શ્રીમદ્ ભાગવત’માં ખુદ ભગવાન શ્રીકૃષ્ણ તેમને “જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ” ગણાવે છે. તો મહાભારતમાં ‘સભાપર્વ’માં ભગવાન શ્રીકૃષ્ણ તેમને ‘દેવર્ષિ’ની પદવી આપે છે. નારદજી વિશે ‘નારદ પુરાણ’ લખાયું છે જેમાં ‘નારદ માહાત્મ્ય’ કહેવામાં આવ્યું છે. નારદજી દ્વારા કહેવામાં આવેલા ‘ભક્તિસૂત્ર’ ભક્તને ભગવાન તરફ જવાનો રસ્તો અને આ લોકમાં તમામ સુખ ભોગવવાના રસ્તા બતાવે છે. નારદજી સાથે કૃષ્ણાવતારમાં ભગવાને કરેલી કેટલીક રસપ્રદ લીલાઓ ‘સ્કંદપુરાણ’, ‘મત્સ્યપુરાણ’ અને ‘શ્રીમદ ભાગવત’માં જોવા મળે છે. નારદજી વિવેકશીલ જ્ઞાની અને વિદુષક તરીકે પણ આપણી સામે આવે છે. આ માટે તે બની જાય છે ભારતીય શાસ્ત્રોનું અને જનમાનસનું રસપ્રદ પાત્ર.
--------------------------------------------
પત્રકાર તરીકેના “રોલ”માં દેવર્ષિ નારદ
--------------------------------------------
નારદ એ વિશ્વના સૌથી પહેલા પત્રકાર છે. એ વૃત્તાંત નિવેદક છે. તેઓ જે આમાન્યા રાખતા તે આજના મીડિયાએ સમજવા જેવી છે. ખબર આપવાનું જે ધોરણ એમણે સ્વીકાર્યું હતું એ ખૂબ ઊંચું હતું. એનું એક ઉદાહરણ જોઈએ. રાવણ જ્યારે પુષ્પક વિમાનમાં બેસીને સંહાર કરતો હતો ત્યારે નારદે ત્યાં જઈને એને ઉકસાવ્યો. એમણે કહ્યું કે : ‘અલ્યા, મૃત્યુલોકના આ પરચુરણ માનવીઓ તો આમેય મરવાના જ છે. એને મારીને તને શું ફાયદો ? એમાં કંઈ તારી બહાદુરી ના દેખાય. અહીં પૃથ્વી પર તો બધા ‘ટેમ્પરરી’ છે. કાયમ તો એ લોકો યમલોકમાં રહે છે. ત્યાં તારું કશું ચાલશે નહિ કારણ કે ત્યાં યમ બેસે છે.’ રાવણ કહે “એમ ? જોઉં ત્યારે યમલોકને”. રાવણ તો ઉપડ્યો. આમ વૃત્તાંત નિવેદક તરીકે નારદે પૃથ્વીલોકને બચાવવા આખું ડાયવર્ઝન આપી દીધું.
.
આ વૃત્તાંતનિવેદકનું કેવું સરસ કામ છે. આ નારદ છે. ક્યાં અટકવું એ એમને ખબર છે. ક્યાં વ્યકિત કલ્યાણ અને સમાજ કલ્યાણની ગાથા કરવી અને કેવી રીતે કરવી તે નારદને ખબર છે. આજના મીડિયાને આવી ખબર છે કે નહીં એ તો સૌ જાણે જ છે. નારદની આ પત્રકાર તરીકેની એટલે કે વૃત્તાંત નિવેદક તરીકેની આ ઊંચાઈ છે. આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કળા વૃત્તાંત નિવેદક તરીકે નારદમાં હતી. નારદ હવામાંના ઓકિસજનની જેમ પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ કરે છે અને ક્લોરિન વાયુની જેમ વૃત્તાંત નિવેદક તરીકે વિકારોની શુદ્ધિ કરે છે.
-------------------------------------------------------------
વૃત્તાંતનિવેદક નારદજીના જન્મ જયંતીએ સમજીએ:
સંવાદ (Dialogue), ચર્ચા (Debate) અને દલીલ (Argument)
-------------------------------------------------------------
અમર્ત્ય સેનનું એક પુસ્તક વર્ષ ૨૦૦૫માં પ્રસિદ્ધ થયું હતું જેનું શીર્ષક હતું “The Argumentative Indian”. ત્યારબાદ લોર્ડ ભીખુ પારેખનું એક પુસ્તક વર્ષ ૨૦૧૫માં પ્રસિદ્ધ થયું હતું જેનું શીર્ષક હતું “Debating India”. હું રાહ જોઈ રહ્યો છું કે કોઈ વિદ્વાન “Dialoguing India” પુસ્તક લઈને આવે. આપણા દેશની એક ભવ્ય પ્રાચીન પરંપરા રહી છે અને એ પરંપરામાં “ચર્ચા અથવા વાદ (Debate)” અને “સંવાદ (Dialogue)” - આ બેનો સમાવેશ થાય છે.
.
આપણે આજે “સંવાદ” અને “અર્થપૂર્ણ ચર્ચા” બંને ભૂલી ગયા છીએ અને તેને બદલે માત્ર “દલીલો (Arguments)”માં જ રત થઈ ગયા છીએ.
.
હવે અહીં પ્રશ્ન થશે કે “સંવાદ”, “ચર્ચા/વાદ” અને “દલીલ”માં શું ફર્ક છે? ચાલો આજે નારદજીની જન્મ જયંતીએ તેને જ સમજીએ.
.
“ચર્ચા” એટલે માહિતીનું આદાનપ્રદાન. સ્વસ્થ ચર્ચાનો અંત ફાયદાકારક હોય છે. પણ “દલીલ” એ “ચર્ચા” નથી પણ અજ્ઞાનતાનું પ્રદર્શન છે અને તેનો અંત હાસ્યાસ્પદ હોય છે. “ચર્ચા” હકારાત્મક હોય છે જ્યારે “દલીલ” નકારાત્મક. “ચર્ચા”ને અંતે વિષયનું તારણ નીકળે છે અને “દલીલ”માં વ્યક્તિ કે વ્યક્તિઓની માનસિકતા સ્ખલિત થઈ જાય છે.
.
સ્વસ્થ અને તંદુરસ્ત “ચર્ચા” પૂર્વગ્રહમુક્ત હોય છે. આ પ્રકારની “ચર્ચા” જ સીધે પાટે દોડી શકે છે અને છેવટે બધાને કઇંક નવું જાણવા મળે છે. પૂર્વગ્રહ જડતાની નિશાની છે. વાંચન અને અભ્યાસ વિનાની વ્યક્તિના વિચારો કુંઠિત અને જડ થઈ જાય છે અને પૂર્વગ્રહ ધરાવતી વ્યક્તિઓ સાથે “ચર્ચા” કરવામાં જોખમ છે.
.
મને લાગે છે કે હજુ આપણને “ચર્ચા” કરવાની ફાવટ આવી નથી. આપણે “ચર્ચા” શરૂ કરવા જેટલા ઉત્સાહી હોઈએ છીએ તેટલો ઉત્સાહ તેનો ફળદાયક અંત લાવવા સુધી જાળવી શકતાં નથી. તેનું કારણ છે કે જે વિષય પર “ચર્ચા” કરવા જઇએ છીએ તેના પર પૂરી માહિતી જ ધરાવતા નથી. એટલે “ચર્ચા” કરવા માટે જરૂરી તર્ક જ હોતા નથી.
.
“ચર્ચા” તર્કબદ્ધ રીતે થવી જોઈએ. પણ હજુ આપણે તર્કબદ્ધ “ચર્ચા” કરી શકીએ તેટલા પરિપક્વ થયા નથી. તર્કબદ્ધ “ચર્ચા” સારી રીતે પૂર્ણ થાય છે પણ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ કે સંગઠન તર્કબદ્ધ રીતે “ચર્ચા” ન કરી શકે તો શું કરવું?
.
મારું એવું માનવું છે કે કોઈ વિષય પર તર્કબદ્ધ “ચર્ચા” ન કરી શકો તો પ્રેમથી મર્યાદાનો સ્વીકાર કરવો જોઈએ અને “ચર્ચા”નો અંત લાવી દેવો જોઈએ. વ્યક્તિ દરેક વિષય પર હથોટી ધરાવી શકતી નથી. પોતાની મર્યાદાનો સ્વીકાર કરવો એ તંદુરસ્ત તર્કબદ્ધ “ચર્ચા”ની નિશાની છે.
.
પણ મેં જોયું છે કે મોટાભાગે વ્યક્તિ “ચર્ચા” કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે તે ધુંધવાઈ જાય છે. તેનો અહમ ઘવાય છે. એટલે તે “અર્થહીન દલીલ” કરે છે. આ સમયે તેની સામે “ચર્ચા” કરનાર સમજુ હોય તો તેને “બિસ્કિટ” ખવડાવી શાંત કરવાનો પ્રયાસ કરે છે અને પછી “રામરામ” કરીને ચાલ્યો જાય છે.
.
આજે તો “દલીલો” અને “તર્કબદ્ધ ચર્ચા”ના નામે પોતાનું કે સંગઠનનું કોઈ આગવું મંતવ્ય જ ન હોય અને માત્ર સામા પક્ષનું ખંડન જ કર્યા કરવું – એવી કુટેવ ચારેબાજુ સતત જોવા મળી રહી છે.
.
કોઈએ ખૂબ ધીરજથી એક પછી એક પરિસ્થિતિ અને મુદ્દાઓનું વિશ્લેષણ કરીને નવી વાત રજૂ કરી હોય ત્યારે માત્ર ને માત્ર “ગાડીને પાટા ઉપરથી ઉતારી મુકવા માટે” અને “તોફાન કરવાના ઈરાદે” “તર્કબદ્ધ મુદ્દાઓ”નું ખંડન કરવાનો એક શોખને આજના સમયમાં એક “લોબી” પોષણ આપી રહી છે.
.
તેઓ પોતે ખૂબ જ વિદ્વાન છે એટલે દેખાડો કરવા માટે ક્રાંતિકારી રિફોર્મ્સ અને “જરા હટકે” નિર્ણયોને તેઓ ઉતારી પાડતા હોય છે. તાર્કિક રીતે પોતાની અસહમતિ પ્રગટ કરવાને બદલે આવા ક્રાંતિકારી રિફોર્મ્સ અને “જરા હટકે” વિચારોના ગ્રાફને ચૂંથીને, મારી-મચડીને અને તેમાં રહેલી માહિતીઓને “તેમના મનમાં આવે તે રીતે અર્થઘટન કરીને” સાચી હકીકતોનું શીર્ષાસન કરીને એમાં મનઘડંત અર્થ ઉમેરીને ભોળી પ્રજાને ભોળવી નાખે છે.
.
પ્રોક્ટર એન્ડ ગેમ્બલના ભૂતપૂર્વ સીઈઓ ગુરચરણ દાસે લખ્યું હતું કે “સેક્યુલર-લિબરલ લોબી” “રાષ્ટ્રવાદીઓ અને જમણેરી લોબી”ની કે તેમના જેવા બીજા રૂઢિચુસ્તોની ઉપેક્ષા કરે છે કે ઠેકડી ઉડાડે છે એ બરાબર નથી. “રાષ્ટ્રવાદીઓ અને જમણેરી લોબી” કશુંક કહેવા માગે છે તો “સેક્યુલર-લિબરલ લોબી”એ તેમને શાંતિથી સાંભળવા જોઈએ.
.
“રાષ્ટ્રવાદીઓ અને જમણેરી લોબી”ને કદાચ “સેક્યુલર-લિબરલ લોબી”ની જેમ
.
(૦૧) વાત કરતા નહીં આવડતું હોય
(૦૨) તેમની પાસે ધારદાર દલીલો નહીં હોય
(૦૩) તર્કબદ્ધ દલીલ કરતા આવડતું નહીં હોય
(૦૪) મોટા મોટા વિચારકોનાં નામ અને અવતરણો ટાંકવા જેટલી ક્ષમતા ધરાવતા નહીં હોય
(૦૪) તેમને અંગ્રેજીમાં બોલતા આવડતું નહીં હોય
.
તેમ છતાં પણ એ “સેક્યુલર-લિબરલ લોબી”એ તેમની સાથે “અર્થપૂર્ણ ચર્ચા” કરીને “અસરકારક સંવાદ” સાધવો જોઈએ.
.
“રાષ્ટ્રવાદીઓ અને જમણેરી લોબી”ને કંઈક કહેવું છે અને એ તેઓ જો સ્પષ્ટ રીતે ન કહી શકતા હોય તો બુદ્ધિશાળી ગણાતાં “સેક્યુલર-લિબરલ લોબી”એ તેમની વાતનો અર્થ જાતે સમજી લેવો જોઈએ અને તેમને પ્રતિસાદ આપવો જોઈએ.
.
ગુરચરણ દાસનો એ લેખ વાંચ્યા પછી મનમાં સવાલ થયો હતો કે વાત તો સાચી જ છે. કોઈની પણ ઉપેક્ષા કરવી એ હિંસા છે અને ઠેકડી ઉડાડવી એ તો એનાથી પણ મોટી હિંસા છે. પછી વિચાર્યું કે જગતના ઈતિહાસમાં થયેલા સૌથી ઉદાર મહાપુરુષોમાંના એક ગાંધીજીના યુગમાં પણ આવા લોકો તો હતા તો આધુનિક યુગની તો શી વિસાત..???
.
“સેક્યુલર-લિબરલ લોબી”ના વિદ્વાનો મૂળભૂત મુદ્દાઓને કંઈક એવી રીતે અર્થઘટન કરીને પોતાનું ડહાપણ ડહોળે કે તમે વિચારતા થઈ જાઓ કે આ લોકો મૂળ મુદ્દાને બાજુ પર મૂકીને વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે.
.
આવા સમયે “સેક્યુલર-લિબરલ લોબી”ના વિદ્વાનો પોતે પણ બુદ્ધિશાળી છે એવું સાબિત કરવા તેમના સમર્થકોને મૂળભૂત મુદ્દાઓનો યુ-ટર્ન થઈ જાય એ હદે એને ફંટાવી દેતા હોય છે.
.
આવી પરિસ્થિતિમાં તેમની સાથે “અસરકારક સંવાદ” કેવી રીતે સાધવો??
.
હકીકતમાં તો “તું ખોટો અને હું સાચો” એ સંવાદ નહીં પણ વિવાદ છે.
.
પ્રાણીઓની દુનિયામાં એક સિંહ હોય અને સામે બીજો સિંહ નજીક આવે તો ગર્જના કરીને પેલા ‘ભાઇ’ને જાણ કરશે કે ‘આ જગ્યા મારી છે.’ પેસામે આવેલો સિંહ ‘પાણી કેટલું ઊંડું છે’ તે ચકાસવા સામી ગર્જના કરશે. ગર્જનાઓની આવી આપ-લે પછી બીજો સામે આવેલો સિંહ પાછાં પગલાં ભરશે પરંતુ જો તે એવું ન કરે તો?? પ્રાણીઓમાં આવી પરિસ્થિતિમાં જંગ જ છેડાઈ જાય અને આખા જંગલને ગજવી નાખે એવી ત્રાડ પડે. પ્રાણીઓમાં આ વૃત્તિ સહજ છે.
.
પશુઓમાં આ ઉપાય કારગત નીવડે છે પરંતુ વ્યક્તિઓ અને સંસ્થાઓના કિસ્સામાં આ ઉપાય કાયમ સફળ થતો નથી. પ્રાણી અને માનવ વચ્ચે આ જ તફાવત છે.
.
અહીં ચતુર માણસ અને જ્ઞાની માણસ વચ્ચે પણ એક મૂળભૂત તફાવત છે કે ચતુર માણસને ખબર છે કે શું કહેવું અને જ્ઞાની માણસને સમજ છે કે કહેવું કે ન કહેવું.
.
પણ જે "વધારે પડતો ચતુર" છે અને "પોતાના જ્ઞાનનો દેખાડો કરતો ફરે છે" તેની સાથે “અસરકારક સંવાદ” કેવી રીતે સાધવો?
.
કારણ કે “અસરકારક સંવાદ” હોય તો જ એકબીજાની દલીલો અને મુદ્દાઓનું તાર્કિક વિશ્લેષણ કરીને એકબીજાના દ્રષ્ટિકોણને સમજીને કોઈ અસરકારક રસ્તો નીકળી શકે. પણ આવા “સેક્યુલર-લિબરલ લોબી”ના વિદ્વાનો સાથે “અસરકારક સંવાદ” કેવી રીતે કરવો?
.
શું આ અંગે કોઈ ફોડ પાડશે? કે કોઈ સમજ આપશે?
-----------------------------------
શું દેવર્ષિ નારદ “કલહપ્રિય” છે?
-----------------------------------
જે બહુ આપણી સાથે રહે, આપણી સાથે હળીમળી જાય એટલે એ આપણને આપણા જેવા લાગે. એમની મહત્તા ભૂલાઈ જાય. એને કારણે આપણે એમના વિશે મન ફાવે એવી વાતો જોડવા માંડીએ. નારદ એટલે તો જાણે કલહપ્રિય એવું ચિત્રિત કરવામાં આવ્યું. હા, એ વાત કબૂલ કે નારદે એકની વાત બીજાને કરી છે. એમાં ના નહીં પરંતુ એની પાછળનો હેતુ તમે જોશો તો બંને પક્ષનું કલ્યાણ કરવાનો હશે. બંનેને ઝઘડો કરાવીને એનો રસ મેળવવાનો નહિ. નારદ દેવર્ષિ છે. એવો અધમ આનંદ મેળવવાની ઈચ્છા રાખે એવા એ ક્યારેય નથી.
.
નારદ વિષે આપણી ભાષામાં એક ખોટો શબ્દ પ્રચલિત થયો છે : ‘નારદવેડા’. મધ્યકાલીન લોકો નારદના પાત્રથી મનોરંજન કરવા લાગ્યા એટલે તેમાં રહેલું મૂળ તત્વ ભૂલાઈ ગયું અને પરિણામે આવા ખોટા શબ્દો ઘૂસી ગયા. નારદ ધારે તો શ્રાપ આપી શકે પણ એ તો હસીને કહે છે કે “બેટાઓ, મારે ભોગે પણ તમે જો સુખી થાઓ છો તો ભલે થાવ”. એમને કોઈ ફરિયાદ નથી. એ તો આપણું જ દુર્ભાગ્ય છે કે આપણે એમને મજાકમાં ખપાવી દઈએ છીએ.
.
જગતમાં ભલા ભોળા, નિખાલસ અને સજ્જ્ન માણસો હોય એને જ છેતરાય. એની જ બધા ફિલ્મ ઉતારે તો નારદની ઉતારે એમાં નવાઈ શું? આ તો જગતનો નિયમ જ છે. બાકી નારદ એટલા બધા નિખાલસ છે કે છેતરાઈ જાય. લોકો એમની ઉડાવે તો પણ શાંત રહે.
------
અંતે
------
ઓશો કહેતા કે
.
નારદ નિરહંકારી હતા. એમને લોકનિંદાનો સ્વીકાર પણ સહજતાથી કર્યો. નારદે પોતાની જાતને સંપૂર્ણ રીતે પરમાત્માને સમર્પિત કરી દીધી હતી એ વાત કોઈ સમજી શક્યું નહિ એટલે લોકો એમની ઠેકડી ઉડાડે છે. નારદ પોતાને ભોગે એ “કલહપ્રિય” થવાનું સ્વીકારે છે.
.
કેવું મહાન “કલહપ્રિય” ચરિત્ર...!!! વાહ... નારદ...વાહ...!!!
ટિપ્પણીઓ